Sunday, August 3, 2008

લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.


માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.
હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ 'હું' જ ખોટો નીકળ્યો.
ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાંજ તડકો નીકળ્યો.
સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.
આશરો કેવળ નદીને જ હતો,
એક સાગર એય ખારો નીકળ્યો.
આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.
થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો
- ધૂની માંડલીય

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?



આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?
જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ?

તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,
તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ?

તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,
તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ?

તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,
તેમાં તું હકીકત ના મહેલ શોધ્યા કેમ કરે ?

સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?

ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,
વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ?

- શૈલ્ય

ગઝલ


કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે;
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.

કથા માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં ય મેર પછી મણકો આવે છે.

હજી વેઠું છું ત્રાસ અંધારાનો પણ -
ઇલાજમાં એના રોજ ભડકો આવે છે.

પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
બહુ મુશ્કેલીબાદ રણકો આવે છે.

ગયાં’તાં, પાછાં ત્યાં જ આવીને ઊભાં,
જવું ક્યાં? ચારેકોર તડકો આવે છે.

ઘણા વખતે આ ઠાઠ, રોનક ને રુઆબી,
લખાવી તારે નામ, ભભકો આવે છે.

- હર્ષદ ત્રિવેદી

Sunday, July 27, 2008

તારું હોવું..


આ નસેનસમાં સળગતી પળનું હોવું
હોવું જાણે ‘તું’ વગરના સ્થળનું હોવું

મન મૂકીને શી ખબર ક્યારે વરસશે ?
મૌન તારા હોઠ પર વાદળનું હોવું

આંખ જો દેખી કે વાંચી ના શકે તો -
અર્થ શો છે ? હાથમાં કાગળનું હોવું

થાય છે રોજ જ કતલ વિશ્વાસની ને
લાગતું બસ ચોતરફ મૃગજળનું હોવું

તારું હોવું ભીંજવી દે છે મને જો
તારું હોવું એટલે ઝાકળનું હોવું

કેમ ખેંચાતું જતું અસ્તિત્વ મારું ?
એ તરફ નક્કી જ કોઈ બળનું હોવું

‘હોવું’ છે કે વ્હેમ છે હોવાપણાનો,
હોવું -ના હોવું; હશે અટકળનું હોવું

-દિલીપ મોદી

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ..


પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

-હરીન્દ્ર દવે

કારણ સ્મરણ છે...


અમારા તડપવાનું કારણ સ્મરણ છે;
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.

નથી આગ જેવું કશું જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ સ્મરણ છે.

નદી હું સરજવા ગયો તો બન્યું રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.

બધું સર્વસામાન્ય છે એ ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.

-પ્રમોદ અહિરે

કહો ત્યાં મુલાકાત કરશું..

સુરાલયમાં જાશું જરા વાત કરશું
અમસ્તી શરાબી મુલાકાત કરશું

મુહબ્બતના રસ્તે સફર આદરી છે
મુહબ્બતના રસ્તે ફના જાત કરશું

જમાનાની મરજીનો આદર કરીને
વિખૂટાં પડીને મુલાકાત કરશું

સલામત રહે સ્વપ્ન નિદ્રાને ખોળે
કરી બંધ આંખો અમે રાત કરશું

સુરાલયમાં, મસ્જિદમાં, મંદિરમાં, ઘરમાં
કે ‘આદમ’ કહો ત્યાં મુલાકાત કરશું

- શેખાદમ આબુવાલા

Saturday, July 26, 2008

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે..


પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

- હિતેન આનંદપરા

પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !..



સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.

હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?

હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !

છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !

- હર્ષદ ત્રિવેદી

મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે..

મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.
- કૈલાસ પંડિત

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં...


તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં

છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.
- રમેશ પારેખ

Sunday, July 20, 2008

અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.


એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

- જવાહર બક્ષી

તારા વિશે...

એક વાર તારા વિશે…
કાવ્ય લખવા વિચાર કર્યોને…
મારી કલ્પનાઓ અટવાઇ ગઇ

કાગળો વચ્ચે… વાદળો વચ્ચે…
મનમાં ઉગેલા… સવાલો વચ્ચે…
આંખોમા આવેલા… આંસુઓ વચ્ચે…

ધગધગતા આ… રણો વચ્ચે…
અંતર ભીંજવતા… સમંદરો વચ્ચે…
વસંત વચ્ચે… વર્ષા વચ્ચે…

ફુલો વચ્ચે… કંટક વચ્ચે…
પ્રભાત વચ્ચે… ઝાંકળ વચ્ચે…
મંદિર વચ્ચે… દેરીઓ વચ્ચે…

ગામ વચ્ચે… શેરીઓ વચ્ચે…
તારા અને મારા વચ્ચે…
મારા વિચારો હજીયે અટવાય છે…

અને હું વિચારુ છું…
કાવ્ય લખવા…
તારા વિશે…!!!

- રાજીવ

શું છૂટકો છે ?


મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?

વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

જીવન-મરણની તમે વાત લઈને બેઠા છો…
અને જીવો-મરો સ્વેચ્છા વગર, શું છૂટકો છે ?

ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?

ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
વીતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?

-વિવેક મનહર ટેલર

Tuesday, July 15, 2008

ગઝલ


જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણનો વસાહત થઇ ગઇ.

- ઉર્વીશ વસાવડા