Showing posts with label હસમ વૈધ. Show all posts
Showing posts with label હસમ વૈધ. Show all posts

Tuesday, June 24, 2008

મેં સદા નજર રાખી


જેણે મારી નથી ફિકર રાખી,
એની પર મેં સદા નજર રાખી.

આવતી કાલ શું ભલું કરશે,
આજની જૉ નથી ખબર રાખી.

એજ કરશે શરાબની તારીફ,
પ્યાલી જેણે પીધા વગર રાખી.

એનાં દુ:ખો અનંત રહેવાનાં,
જેણે સુખમાં નથી સબર રાખી.

ઉન્નતિ ચૂમશે કદમ એના,
જેણે દ્રષ્ટિ સદા ઉપર રાખી.

નાવ જીવનની કયાં લઈ જશે,
જેણે હેતુ વગર સફર રાખી.

જિંદગીએ ખુદાને શોધે છે,
પાયમાલીથી જેણે પર રાખી.

આ ઉતાવળ શી આટલી `મોમિન’
મોત પહેલાં તેં કયાં કબર રાખી.
- હસમ વૈધ