Sunday, July 27, 2008

તારું હોવું..


આ નસેનસમાં સળગતી પળનું હોવું
હોવું જાણે ‘તું’ વગરના સ્થળનું હોવું

મન મૂકીને શી ખબર ક્યારે વરસશે ?
મૌન તારા હોઠ પર વાદળનું હોવું

આંખ જો દેખી કે વાંચી ના શકે તો -
અર્થ શો છે ? હાથમાં કાગળનું હોવું

થાય છે રોજ જ કતલ વિશ્વાસની ને
લાગતું બસ ચોતરફ મૃગજળનું હોવું

તારું હોવું ભીંજવી દે છે મને જો
તારું હોવું એટલે ઝાકળનું હોવું

કેમ ખેંચાતું જતું અસ્તિત્વ મારું ?
એ તરફ નક્કી જ કોઈ બળનું હોવું

‘હોવું’ છે કે વ્હેમ છે હોવાપણાનો,
હોવું -ના હોવું; હશે અટકળનું હોવું

-દિલીપ મોદી

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ..


પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

-હરીન્દ્ર દવે

કારણ સ્મરણ છે...


અમારા તડપવાનું કારણ સ્મરણ છે;
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.

નથી આગ જેવું કશું જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ સ્મરણ છે.

નદી હું સરજવા ગયો તો બન્યું રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.

બધું સર્વસામાન્ય છે એ ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.

-પ્રમોદ અહિરે

કહો ત્યાં મુલાકાત કરશું..

સુરાલયમાં જાશું જરા વાત કરશું
અમસ્તી શરાબી મુલાકાત કરશું

મુહબ્બતના રસ્તે સફર આદરી છે
મુહબ્બતના રસ્તે ફના જાત કરશું

જમાનાની મરજીનો આદર કરીને
વિખૂટાં પડીને મુલાકાત કરશું

સલામત રહે સ્વપ્ન નિદ્રાને ખોળે
કરી બંધ આંખો અમે રાત કરશું

સુરાલયમાં, મસ્જિદમાં, મંદિરમાં, ઘરમાં
કે ‘આદમ’ કહો ત્યાં મુલાકાત કરશું

- શેખાદમ આબુવાલા

Saturday, July 26, 2008

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે..


પ્રેમ આખી જિંદગીનો મર્મ છે,
એ વિનાની સર્વ વાતો તર્ક છે.

ગાલ પર ખંજનો હોતાં હશે ?
એ તમારાં ટેરવાંનો સ્પર્શ છે.

શેર ઉપર વાહ જો એની મળે,
એ જ ક્ષણ મારા જીવનમાં પર્વ છે.

હોઠ તારા એ જ છે પણ તે છતાં
નામ ત્યાં મારું નથી- નો ફર્ક છે.

હું તને વાંચું નહીં તો શું કરું ?
તું બધીયે વાતનો સંદર્ભ છે.

હું કરચલાથી સદા ડરતો રહ્યો,
આમ જોકે મારી રાશિ કર્ક છે.

- હિતેન આનંદપરા

પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !..



સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.

ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે,
કોઈએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે.

હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?

હું સળગતો સૂર્ય લઈને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે ઘરમાં સાંજ ચિતરાવી હશે !

છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે !

- હર્ષદ ત્રિવેદી

મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે..

મહેંફીલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.
- કૈલાસ પંડિત

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં...


તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં

છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.
- રમેશ પારેખ

Sunday, July 20, 2008

અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.


એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

- જવાહર બક્ષી

તારા વિશે...

એક વાર તારા વિશે…
કાવ્ય લખવા વિચાર કર્યોને…
મારી કલ્પનાઓ અટવાઇ ગઇ

કાગળો વચ્ચે… વાદળો વચ્ચે…
મનમાં ઉગેલા… સવાલો વચ્ચે…
આંખોમા આવેલા… આંસુઓ વચ્ચે…

ધગધગતા આ… રણો વચ્ચે…
અંતર ભીંજવતા… સમંદરો વચ્ચે…
વસંત વચ્ચે… વર્ષા વચ્ચે…

ફુલો વચ્ચે… કંટક વચ્ચે…
પ્રભાત વચ્ચે… ઝાંકળ વચ્ચે…
મંદિર વચ્ચે… દેરીઓ વચ્ચે…

ગામ વચ્ચે… શેરીઓ વચ્ચે…
તારા અને મારા વચ્ચે…
મારા વિચારો હજીયે અટવાય છે…

અને હું વિચારુ છું…
કાવ્ય લખવા…
તારા વિશે…!!!

- રાજીવ

શું છૂટકો છે ?


મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?

વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

જીવન-મરણની તમે વાત લઈને બેઠા છો…
અને જીવો-મરો સ્વેચ્છા વગર, શું છૂટકો છે ?

ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?

ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
વીતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?

-વિવેક મનહર ટેલર

Tuesday, July 15, 2008

ગઝલ


જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણનો વસાહત થઇ ગઇ.

- ઉર્વીશ વસાવડા

Sunday, July 13, 2008

અનાયાસ તું યાદ આવે..


ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત,
ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

લડ્યા હું કરું એકલે હાથ સંસારનાં સર્વ તોફાનો સામે,
ઊઠ્યું ભીતરે એક વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

- કિરીટ ગોસ્વામી

Friday, July 11, 2008

તને...

લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.

ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?

તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.

- ખલીલ ધનતેજવી

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

- હરીન્દ્ર દવે

કોને ખબર ?


પાંદળુ કેવી રીત પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો "રમેશ",
કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?

- રમેશ પારેખ

સાથે તું હોય


હ્રદયની ધરતી પર પ્રેમના પગરણ થયા હોય
મનમાં ઉંડે સુધી ફકત તારા સ્મરણ ગયા હોય
અને સાથે તું હોય

ઝાંકળથી ભીંજાયેલ સુંદર એવી પ્રભાત હોય
આકાશમાં ઉષાના ફેલાયેલા રંગો સાત હોય
અને સાથે તું હોય

સાંજનો ઢળતો સોનેરી સુરજ પિગળતો હોય
“રાજીવ” તે જોઇ તારા રુપમાં નીતરતો હોય
અને સાથે તું હોય

શાંત કોઇ દરિયા કિનારે માઝમ રાત હોય
મોજાઓની કિનારા સાથે મીઠી મુલાકાત હોય
અને સાથે તું હોય

મંજીલની તલાશમાં “રાજીવ” ભટકતો હોય
તને જોવા માટે દરેક ક્ષણે અટકતો હોય
અને સાથે તું હોય

જીવનમાં શું જોઇએ આનાથી વિશેષ ?
પ્રેમ સિવાય કશું નહી રહે શેષ….
જો મારી જીંદગીમાં તું હોય

- રાજીવ

Thursday, July 10, 2008

આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું


એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

- મનોજ ખંડેરિયા

Tuesday, July 8, 2008

આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.


સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.

મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે,
શ્વાસોની આવજાવને દંડવત પ્રણામ છે.

પેલો સૂરજ તો સાંજટાણે આથમી જશે,
આંખોમાં તારી ઊગશે એને સલામ છે !

પાંપણમાં ઊંઘ આંજીને ચાલ્યો જઈશ હું,
સપનામાં તારા આવીને, મારે શું કામ છે ?

નક્કી જીવનના અંત સુધી નહીં કરી શકું,
હું શબ્દનો કે શબ્દ આ મારો ગુલામ છે.

-અંકિત ત્રિવેદી

જોયા છે ?..


આસમાનમાં એકાએક લિસોટા પડતા જોયા છે ?
અંધારી રાતે વાયુના ફોટા પડતા જોયા છે ?

વૃક્ષો વત્તા વેલી ઓછા માણસ ગુણ્યા ફેકટરીઓ,
અચ્છા અચ્છા ગણવાવાળા ખોટા પડતા જોયા છે.

વચ્ચે આવે સોયનું નાકું, બાકી સુખ તો સામે છે;
લોકોને મેં મોટા ભાગે, મોટા પડતા જોયા છે.

ખોટો માણાસ પણ રૂપિયામાં એક-બે આની સાચો છે,
સોળ આનીના રૂપિયાઓને ખોટા પડતા જોયા છે.

-ઉદયન ઠક્કર

તો પૂછવું કેવી રીતે...


પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,
ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?

પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,
તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?

છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,
શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?

દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,
દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?

શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,
છે વિસામણ એક આંસુ લૂછવું કેવી રીતે ?

કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –
પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?

આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !

ઉર્વીશ વસાવડા

હું કોણ છું પૂછતાં રહો


બંધ આંખે આયનો જોતા રહો
ના પછી, હું કોણ છું પૂછતાં રહો

દોસ્ત ઝાઝા કે વધુ છે દુશ્મનો
આંગળી વેઢે સતત ગણતા રહો

છો, શમાના સ્પર્શથી ઉકળી ઉઠો
મીણ માફક તે પછી ઠરતા રહો

સાથ પડછાયો તને દેશે સદા
જો તમે અંધારથી બચતા રહો

છે સુરાહી કેટલી ખાલી , ન જો
જિંદગીનો જામ બસ ભરતા રહો

– ડૉ. જગદીપ નાણાવટી

ઉડવા માટે બસ ઈરાદો જોઈએ.


કોણે કીધું સોનેરી પાંખ જોઈએ?
ઉડવા માટે બસ ઈરાદો જોઈએ.

બીંબ–પ્રતીબીંબના આ જગતમાં,
જીવનને નીરખવા નયન જોઈએ.

પોંખીએ તીમીરના ય આગમનને,
સંધ્યાટાણે એકમેકનો સાથ જોઈએ.

છો ને, સરી જતો સમયનો પાલવ,
જીવનને સમેટવા એક પળ જોઈએ.

ગમન–આગમન તો વીધીના ખેલ,
શાશ્વત થવા અમરફળ જોઈએ.

– સુનીલ શાહ

Sunday, July 6, 2008

वो बचपन के दिन


वो बचपन के दिन जब याद आते हैं,ये पल ये लम्हे मासूम से हो जाते हैं,
वो हलकी सी तक्रारें, वो मीठी सी नोंक-झोंक ,
वो रोज नए बहाने बनाना, वो कल के रूठे दोस्तो को मनाना,
वो स्कूल की घंटी ,वो खेल का मैदान,
वो झील के किनारे आम का बागान,
वो पत्थर उछालकर कच्चे आमों को गिराना,
वो दौड़ की होड़ मे दोस्तो को गिराना-उठाना,
वो सावन के झूले ,वो कोयल की कूक,
वो बारिश की रिमझिम में भीगना-भिगाना,
वो बारिश के पानी से आंगन का भर जाना,
फिर कागज की कस्तियाँ बनाकर पानी मे चलाना !
जाने ये अब कहॉ खो गए, शायद अब ये किसी और के हो गए
वो बचपन के दिन जब याद आते हैं, ये पल ये लम्हे मासूम से हो जाते हैं !

Wednesday, July 2, 2008

ન કર....


ભર વસંતે આમ ઉનાળો ન કર
હિમકણ છું ઝાઝો હુંફાળો ન કર

જે બધુ છુટયું એ ભુલી જા હવે
બાદબાકીઓનો સરવાળો ન કર

માત્ર પડછાયા જ ફેલાશે અહીં
ગામ વચ્ચે ખુદને ઉજમાળો ન કર

માનસરનાં મોતી બોલાવે તને
હંસ થઈને વુક્ષ પર માળો ન કર

શબ્દ સોનેરી મળ્યો છે મૌનમાં
આમ એ લખ લખ કરી કાળો ન કર

- જવાહર બક્ષી

Tuesday, July 1, 2008

હજુ તાજું સ્મૃતિમાં છે


પ્રથમ એ સ્પર્શનું કંપન હજુ તાજું સ્મૃતિમાં છે,
ભીતર પેદા થતું સ્પંદન હજુ તાજું સ્મૃતિમાં છે.

બધા ચહેરાઓ વચ્ચેથી અલગ એક ઊઠતો ચહેરો,
કર્યું નજરોથી રેખાંકન હજુ તાજું સ્મૃતિમાં છે.

નજર નીચી ઝુકાવીને મુલાયમ સ્મિત વેળાએ,
પડ્યું તું ગાલમાં ખંજન હજુ તાજું સ્મૃતિમાં છે.

કર્યો ઘાયલ મને જેણે નજરનાં એક કામણથી,
એ મોહક આંખનું અંજન હજુ તાજું સ્મૃતિમાં છે.

કદી પણ મુક્ત થાવાની ન ઇચ્છા થાય એમાંથી,
એ બાહુપાશનું બંધન હજુ તાજું સ્મૃતિમાં છે.

- ઉર્વીશ વસાવડા