Sunday, June 29, 2008

નથી..



લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી."

છે દેહ રૂના પૂમડાંનો ત્યાં સુધી સઘળું બરાબર છે / હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.

-અનિલ ચાવડા

એક પરીક્ષા



હાથમાં કિતાબ રાખી, ચહેરો મારો વાંચતાં;
એમને જોયાં હતાં મેં, એક પરીક્ષા આપતાં.

પાસ કે નાપાસની, એ વાત નહોતી એટલે;
પાસપાસે બેસી રહ્યાં, દૂરનું કંઈ માપતાં.

દુનિયાને હરાવવાની, હોડમાં તમે હતાં;
લો અમે થાકી ગયા, પાછળ પાછળ આવતાં.

મુક્ત જો થવાય ‘સૂર’, ખુદના બંધન થકી;
જોર જરા પડશે નહીં, બીજું બંધન કાપતાં.

– સુરેશ એમ. પરમાર ‘સૂર’

વખત લઈને આવ..


કદી આવ તું તો બરાબર વખત લઈને આવ,
વિતેલા સમયની સુગંધો પરત લઈને આવ.

પછી ના પડે ક્યાંય પસ્તાવું કોઈને પણ,
મૂલાકાતમાં કોઈ પણ ના શરત લઈને આવ.

ખજાનો ઉમંગોનો લૂંટાવવો છે હવે,
ભલે હોય થોડી ઘણી એ બચત લઈને આવ.

અમારું ગણિત કાચું છે લાગણીઓ વિશે,
ભલે હો ગલત સૌ હિસાબો, ગલત લઈને આવ !

પછી જોઈ લે મેળ કેવો પડે છે ‘સુધીર’
કદી મેળ કાજે કોઈ ના મમત લઈને આવ.

- સુધીર પટેલ

ઝાકળ દડ્યું છે….


એક ટુકડા જેટલુંયે ક્યાં જડ્યું છે
તોયે તે હોવાપણું આખું નડ્યું છે !

કોઈ ના વાંચી શકે એવું લખીને
એક પીંછું વૃક્ષ પર પાછું ચડ્યું છે.

વૃક્ષ ના સમજી શકે કે ભરવસંતે
કોઈ પંખી કેટલું છાનું રડ્યું છે !

યુદ્ધથી ઉજ્જડ થયાં છે દર્પણો પણ
છેક અંદર કોણ કોનાથી લડ્યું છે !

શ્વાસથી છૂટું પડીને નામ મારું
પથ્થરોમાં ગામને પાદર પડ્યું છે.

ગામ આખું યાદનું ડૂબી ગયું છે
આ ક્યા તે ફૂલથી ઝાકળ દડ્યું છે !

ના બતાવો ડર મને મારા પતનનો
ભાગ્ય તો ‘આકાશ’નું પણ મેં ઘડ્યું છે.

– આકાશ ઠક્કર

‘તું’..


શોધું હું બહાનું તને મળવાનું
ને પછી કદી જુદા ન પડવાનું

જાગતી રાતો અને આવતી યાદો
સપનું આવે તારું છાનું-માનું

કરું હું તારી પૂજા ને અર્ચના
નથી રહ્યું બાકી કંઈ કરવાનું

કેમ કરી જીતુ બાજી પ્યારની
તારી પાસે તો છે હુકમનું પાનું

કરીએ પ્યાર આપણે સાવ સાચો
તો પછી દુનિયાથી શું ડરવાનું ?

‘નટવર’ તો જીવે છે તારે માટે
તારા વિના જીવું તો કેવું જીવવાનું ?

- નટવર મહેતા

દશા સારી નથી હોતી



ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.

- બરકત વિરાણી ‘બેફામ’


એ રીતે આવીને મળ વરસાદમાં



એ રીતે આવીને મળ વરસાદમાં
છોડ છત્રી, ને પલળ વરસાદમાં

આપણું શૈશવ મળે પાછું ફરી
હોય એવી બે’ક પળ વરસાદમાં

તાપથી તપતી ધરાના દેહ પર
લેપ લપાતો શીતળ વરસાદમાં

મોર, ચાતક, વૃક્ષની સંગાથમાં
નાચતી સૃષ્ટિ સકળ વરસાદમાં

વ્હાલ ઈશ્વરનું વરસતું આભથી
તું કહે વરસે છે જળ વરસાદમાં

- ઉર્વીશ વસાવડા

તારી યાદના કિસ્સાઓ લખ મને !


કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને !
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !


Saturday, June 28, 2008

નયન ને બંદ રાખીને મે જ્યારે તમને જોયા છે...

NAYAN NE BANDH RAK...

જરા તો નજીક આવ !


છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !

અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !

વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !

- અમર પાલનપુરી

Friday, June 27, 2008

રોજ ટહુકી જાય છે.



બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.

એજ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
જે મરણના આગમનની વાત ભુલી જાય છે.

કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું,
એટલે મારાં બધાંયે દર્દ હાંફી જાય છે.

પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું નથી,
પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે.

આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.

-કિરણ ચૌહાણ

Wednesday, June 25, 2008

હું અને તું


હું
અને તું
બેસીશું કોઇ દિવસ
મૌન-શાંત આકાશ નીચે
ઘૂઘવતા દરિયાની ઊછળતી લહેરોની સાક્ષીએ
હથેળીમાં ટેરવાથી કંડારશું હૈયામાં ધબકતી વાતને
ને પછી સ્પર્શમાં લખીને પાંખ જેવો શબ્દ
ઊડી જઇશું ક્યારેક પેલા પંખીઓની જેમજ મુક્ત હવામાં!!
- મિલિન્દ ગઢવી

શંકા ન કર


સૂર્યના ઢળવા વિષે શંકા ન કર
દીપ ઝળહળવા વિષે શંકા ન કર

આ કથાનો અંત બાકી છે હજી
આપણા મળવા વિષે શંકા ન કર

એક પથ્થર આપણે ફેંક્યા પછી
નીર ખળભળવા વિષે શંકા ન કર

છે તિખારો એક ઊંડે ક્યાંક પણ
હીમ ઓગળવા વિષે શંકા ન કર

એ અનાદિકાળથી ગુંજે ભીતર
નાદ સાંભળવા વિષે શંકા ન કર

-ઉર્વીશ વસાવડા

Tuesday, June 24, 2008

તું જો આજે મારી સાથે જાગશે



તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હ્ર્દય !
એક પથ્થર કોને કોને વાગશે?

તું અમારો છે તો ધરતીના ખુદા!
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી, તું આટલી નિર્દય હશે?
તું મને શું એક પળમાં ત્યાગશે?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે!

એણે માગી છે દુવા તારી ‘અદી’
તું ખુદા પાસે હવે શું માગશે !!

- અદી મિર્ઝા

એ પ્રેમ છે


શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

- વિવેક મનહર ટેલર

ચૂમી છે તને


ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

-મુકુલ ચોક્સી

મળતા રહીશું


સંબંધોના સથવારે મળતા રહીશું.
એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું.

ને સજાવી વસંતોની એ યાદોને.
છેવટે પાનખરમાં નીખરતાં રહીશું.

આમ તો વસીએ ભુમી પર પણ,
નભના તારા સમ ખરતા રહીશું.

નથી આમતો હું ચાંદનીનું તેજ,
પણ અમાસમાંય મળતા રહીશું.

ખેલ નીત નવા દેખી આ જગતના,
સાપસીડીમાં સદાય લપસતાં રહીશું.

ઉગે સુર્ય આથમણે કદીક જો,
તો ગગનમંડળે સદા ચમકતા રહીશું.
- સુનીલ શાહ

રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું


રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું
શ્રદ્ધા જેવા લયથી ડોલું

હું ઝાકળના શહેરનો બંદી
બોલ, ક્યો દરવાજો ખોલું ?

થાય સજા પડઘા-બારીની
ત્યાં જ તમારું નામ ન બોલું

આવરણોને કોણ હટાવે ?
રૂપ તમારું આખાબોલું !

સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો…તો આંખો ખોલું

- જવાહર બક્ષી

મેં સદા નજર રાખી


જેણે મારી નથી ફિકર રાખી,
એની પર મેં સદા નજર રાખી.

આવતી કાલ શું ભલું કરશે,
આજની જૉ નથી ખબર રાખી.

એજ કરશે શરાબની તારીફ,
પ્યાલી જેણે પીધા વગર રાખી.

એનાં દુ:ખો અનંત રહેવાનાં,
જેણે સુખમાં નથી સબર રાખી.

ઉન્નતિ ચૂમશે કદમ એના,
જેણે દ્રષ્ટિ સદા ઉપર રાખી.

નાવ જીવનની કયાં લઈ જશે,
જેણે હેતુ વગર સફર રાખી.

જિંદગીએ ખુદાને શોધે છે,
પાયમાલીથી જેણે પર રાખી.

આ ઉતાવળ શી આટલી `મોમિન’
મોત પહેલાં તેં કયાં કબર રાખી.
- હસમ વૈધ

પ્રેમ એટલે કે



પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો

ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે,
એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે,
એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી આકાશને તું પરણી

પ્રેમમાં તો
ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…

પ્રેમ એટલે કે…
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.

- મુકુલ ચોકસી

તો કહું

વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું
કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું.

અમે જ ચાંદની માંગી, અમે જ કંટાળ્યા,
તમોને ભેદ એ જો અંહકાર હો તો કહું.

વ્યથાનું હોય છે કેવું સ્વરૂપ, કેવી ગતિ ?
થીજેલા ઊર્મિતરંગો, જરા વહો તો કહું.

તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,
ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.

ગઇ બતાવી ઘણાંયે રહસ્ય, બેહોશી,
સમજવા જેટલા બાકી જો હોશ હો તો કહું.

- હરીન્દ્ર દવે

Saturday, June 21, 2008

મૌન બીડે..



હું તને ઝરણું મોકલું,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને દરિયો મોકલું,
ને તું જવાબમાં મૌન મોકલે.
હું તને પંખી મોકલું,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને આભ મોકલું,
ને તું જવાબમાં મૌન બીડે.
જા, હવે બહુ થયું,
હું હવે મૌન વહેતું કરું છું.
ને તું,
મારાં આભ, દરિયો અને પાંખ
પાછા મોકલ…

તારા અભાવને કહે આંખ સુધી ન જાય


બે-ચાર શક્યતાઓ છે સાચી પડી ન જાય
આ તરવરાટને ક્હો, હમણાં વધી ન જાય

તું પાસ હોય એવી રીતે ગાઉં છું ગઝલ
તું ક્યાંક પાસ આવી મને સાંભળી ન જાય

તારી નિકટ નથી તો હું તારાથી દૂર છું
તારી ઉપસ્થિતિ તો કદી અવગણી ન જાય

ભરપૂર હોઉં તોય તને ઝંખતો રહું
તું આ ભર્યાભર્યાપણાને ઓળખી ન જાય

તારી ગલીમાં ધુમ્મસી વાતાવરણ રહે
મારી ભીનાશ ક્યાંય તને પણ અડી ન જાય
.
થોડા વિકલ્પો આજ અતિથિ છે આંખમાં
તારા અભાવને કહે આંખ સુધી ન જાય

- જવાહર બક્ષી

તું મળે અને આયખું સંધાય છે.


એ તરંગો થઈ બધે લ્હેરાય છે,
જીંદગી ક્યાં કોઇને સમજાય છે?

સાવ નજદીક આવવાનું થાય છે,
મન પછીથી , એકદમ બદલાય છે!

હાથ લંબાવું અને પીડા મળે,
આમને આમ જ, ઘણું જીવાય છે!

સાંજ મારી એકલાની હોય છે,
ક્યાં બધાની આંખ અહીં છલકાય છે?

બે ઘડીનો સાથ આપી જાય ને,
કાયમી સંભારણાં છલકાય છે.

છેક ઉંડે ઉતરીને જોયું છે,
તું મળે અને આયખું સંધાય છે.

- દિનેશ કાનાણી

વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી


એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

-ગૌરાંગ ઠાકર

નથી ગમતું મને...


બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.

એકલો ભટક્યા કરું છું, એનું કારણ એ જ છે,
ઘરની વચ્ચે એકલું રહેવું નથી ગમતું મને.

આંખમાં આવીને પાછા જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.

આમ તો કૂદી પડું છું હું પરાઈ આગમાં,
મારું પોતાનું જ દુ:ખ સહેવું નથી ગમતું મને.

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઈ પણ કહેવું નથી ગમતું મને.

– ખલીલ ધનતેજવી

ગઝલ..

ઝંખના સહુ કરે છે સરવરની
ક્યાં તમા કોઈને છે જળચરની.

રાઈ મુઠ્ઠી ન એક આપી શકે
વેદના એ જ તો છે ઘરઘરની.

ક્યાંક તોરણથી આંસુઓ ટપકે
એટલી ફળશ્રુતિ છે અવસરની.

દ્વાર મારું મને મળ્યું આખર
ઠોકરો ખાઈ લાખ દરદરની.

જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.

-ઉર્વીશ વસાવડા

શોધ..


વરસાદમાં ઝબકોળાયેલા
શહેરની વચ્ચે ઊભો છું
હું--
કોરોકટ્....
મારા હિસ્સાનું આકાશ તો
પોતાની પાંખોમાં સમેટીને લઈ ગયું છે કોઈ
પંખી.
હથેળીમાં થીજેલું વાદળ લઈ
હું
ભટક્યા કરું છું
હવે
મારા હિસ્સાના સૂર્યને
શોધવા....

- ‘ડી’ ધર્મેશ પટેલ

फिर से आ जाओ ज़िन्दगानी में,

फिर से आ जाओ ज़िन्दगानी में,
जैसा होता है इक कहानी में ।
मेरी नज़रों में एक है दोनों
अश्क में डूबना या पानी में ।
फर्क क्या है कि दोनों रोयेंगे
तुम बूढापे में हम जवानी में ।
जो थे जिन्दा तेरी ज़फा में भी
मर गये तेरी महेरबानी में ।
-मुकुल चोक्सी

જીવન ચણવા બેઠા

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
અમે રાતનું સૂંપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા

આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ?
હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા

વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
અમે કબીરની પહેલાંની આ ચાદર વણવા બેઠા

એ જ ઉદાસી, એ જ ઘાવ, ને એ જ બધીયે ભ્રમણા
એ જ પેન પાટી લઇ ભણી ગયેલું ભણવા બેઠા

મેંય રોજ ખેતરમાં મારાં `કશું નથી`ને વાવ્યું
દાતરડું લઇ નહીં ઊગેલું હું પદ લણવા બેઠા.
- અનિલ ચાવડા

Tuesday, June 17, 2008

શું કહું?

ક્યારે, કઈ રીતે, ને એમાં વાંક કોનો? શું કહું?
વાતેવાતે એમ દસ્તાવેજ થોડા હોય છે ?
પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
સર્વ કિસ્સા સનસનટીખેજ થોડા હોય છે ?
- ઉદયન ઠક્કર

તને કહેવું હતું


ખાસ લાગ્યું એ તને કહેવું હતું.
ભીની છત ને કોરું કટ નેવું હતું.

ઊડવા માટે જ જે બેઠું હતું - ;
આપણો સંબંધ પારેવું હતું.

જિંદગી આખી ચૂકવવાનું થશે,
શ્વાસનું માથા પર દેવું હતું.

કાનમાં ફૂલોના ભમરો જે કહે;
તથ્ય મારી વાતનું એવું હતું.

એ જ વાતે સ્વપ્ન મૂંઝાતું રહ્યું,
આંખથી છટકી જવા જેવું હતું.

-અંકિત ત્રિવેદી

લે, ધર્યું આસમાન આંખોમાં


ક્યાં કશું છે સમાન આંખોમાં
છે ભૂલાયેલ ભાન આંખોમાં -

ર્દશ્યની જો ઘરાકી જામી છે
હોય જાણે દુકાન આંખોમાં -

ચોતરફ જોઇને હું મૂંઝાઉં છું
કોનું છે વૃંદગાન આંખોમાં - ?

સાવ પાસે અડીને ઊગેલો
ઊઘડે વર્તમાન આંખોમાં -

આપણાથી કશું ન બોલાયું
એમનું પણ સ્વમાન આંખોમાં - !

તુંય આવી ઊડી શકે છે અહીં
લે, ધર્યું આસમાન આંખોમાં

-અંકિત ત્રિવેદી

વરસાદની મોસમ છે



ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.
છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,
ચાલીએ છાતી કાઢી,
તીખ્ખા-મીઠ્ઠા ઝઘડા ને ફરિયાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને,
વરસાદની મોસમ છે.
પાણીમાં છબછબિયાં કરીએ,
ડ્રાઉં-ડ્રાઉં મેઢક સાથે;
સૂરજનું કિરણ લઈ ચાલોમેઘધનુની વાટે,
ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.

-વિવેક મનહર ટેલર

હું મને શોધી શક્યો ન જાતમાં.


હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.

બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.

આયના, તડકો – ઉભયના ભાસમાં
હું મને શોધી શક્યો ન જાતમાં.

ચિત્ત, આંખો, દિલ- બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…

વહી ગયેલાં પાણી ભરવાં શક્ય છે?
તું ગઝલ લખ, છોડ પદ નરસિંહના.

-વિવેક મનહર ટેલર

Thursday, June 12, 2008

પાછો વળી જવાનો..


હું સાંકડી ગલીમાં, રસ્તો કરી જવાનો
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.

પાષાણ સમ હ્રદયમાં, પોલાણ શક્ય છે દોસ્ત
તું ઓગળી પ્રથમ જા, એ પીગળી જવાનો.

એવી ખબર છે આવી, તું નીકળી નદી થઇ,
દરીયાની એટલે હું ખારાશ પી જવાનો.

તારા ઉપરની મારી, દીવાનગી ગમે છે,
મારા સીવાય કોને, હું છેતરી જવાનો?

હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભુલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઇશ્વર, તારું વીવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.

- ગૌરાંગ ઠાકર