Saturday, August 30, 2008

હશે..

કોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે.

- ગોવિંદ ગઢવી

Saturday, August 23, 2008

પડછાયો હતો...


ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.
- શૂન્ય પાલનપુરી

સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે!...


સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી;
કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી.

વિસ્તરતી ચાલે મારી ક્ષિતિજો આ દૂર.. દૂર..
ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી.

માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ,
ત્યજવું નથી, ને કાયમી રોકાણ પણ નથી.

સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે!
કર્ફ્યુ નખાય એટલું રમખાણ પણ નથી.

-મુકુલ ચોકસી

હું ક્યાં કહું છું...


હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

- મરીઝ

ગઝલ

ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે

જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.
- ખલીલ ધનતેજવી

બદલાવ દોસ્ત...


બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત

જો તો ખરા આકાશ આખુ આવકારે છે તને
પણ શર્ત છે કે પૂર્વગ્રહનું પાંજરું બદલાવ દોસ્ત

કાંટો બની અંદરથી કાંટો કાઢવો પડશે હવે
મક્કમ રહી તારૂ વલણ થોડુંઘણું બદલાવ દોસ્ત

તું હારવાની બીકથી બાજી અધુરી મુકમાં
જીતી શકાશે માત્ર તારી ચાલ તું બદલાવ દોસ્ત

‘પાગલ’ તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા
અખબાર સામે છે હજી ગઈકાલનું બદલાવ દોસ્ત

- અલ્પેશ ‘પાગલ’

ઝાકળબિંદુ...


ગુલાબની નાજુક પાંદડી પર
ચૂપચાપ
ઝગારાં મારતું
ઝાકળબિંદુ -
કશાય કસબ વિના
સૂર્યે સેરવેલું
ક્ષણનું કાવ્ય…

- પન્ના નાયક

હોય છે...


લોક ત્યાં ટાંપીને બેઠા હોય છે
આગ જે ચાંપીને બેઠા હોય છે

છાંય ક્યાં મળશે ? અહીં સ્નેહીજનો
વૃક્ષ સૌ કાપીને બેઠા હોય છે

સત્ય બાબત કોણ સાંભળશે તને !
સત્ય જે સ્થાપીને બેઠા હોય છે

આપવા બીજું ન’તું કોઈ કને
દુ:ખ પણ આપીને બેઠા હોય છે

તું જ નિર્ણય લે, જવું છે કઈ તરફ ?
માર્ગ આ વ્યાપીને બેઠા હોય છે

તે પછી ચિન્તા રહે ના એક પણ
જે કબર માપીને બેઠા હોય છે

- મનોહર ત્રિવેદી

Sunday, August 3, 2008

आजकल नेपथ्य में संभावना है ।

मत कहो, आकाश में कुहरा घना है,
यह किसी की व्यक्तिगत आलोचना है ।

सूर्य हमने भी नहीं देखा सुबह से,
क्या करोगे, सूर्य का क्या देखना है ।

इस सड़क पर इस क़दर कीचड़ बिछी है,
हर किसी का पाँव घुटनों तक सना है ।

पक्ष औ' प्रतिपक्ष संसद में मुखर हैं,
बात इतनी है कि कोई पुल बना है

रक्त वर्षों से नसों में खौलता है,
आप कहते हैं क्षणिक उत्तेजना है ।

हो गई हर घाट पर पूरी व्यवस्था,
शौक से डूबे जिसे भी डूबना है ।

दोस्तों ! अब मंच पर सुविधा नहीं है,
आजकल नेपथ्य में संभावना है ।
- दुष्‍यंत कुमार

અહીં કોણ કોના માટે સાચે મરી પડે છે?


નાનકડી કોતરોથી નદીઓ સરી પડે છે
મામૂલી એક ઘટના બહુ વિસ્તરી પડે છે.

લાચારી પણ ખરી છે, હદથી વધી ગઇ છે.
કોઇ વઢે એ પહેલા, એ કરગરી પડે છે.

છે લાગણીઓ ઓછી ને માગણીઓ ઝાઝી
અહીં કોણ કોના માટે સાચે મરી પડે છે?

એવી બને છે ઘટના કે ખિન્ન થઇ જવાતું
પીંછાની સાથે આખું પંખી ખરી પડે છે.

હું ગોઠવું છું પુસ્તકની જેમ જિંદગીને
અભરાઇએથી તો પણ ફરી ફરી પડે છે.

- હિતેન આનંદપરા

આ વિચારો ક્યાં કદી પકડાય છે


આ વિચારો ક્યાં કદી પકડાય છે
માત્ર એ કાગળ ઉપર અટવાય છે.

છત ભલે કાણી તને લાગ્યા કરે,
આભ જેવું એમાંથી દેખાય છે.

જે જગ્યાએ બાંધું માળો રોજ હું,
એ જે ડાળી હર પળે વેડાય છે.

બંધ આંખે હું તને જોઇ શકું,
આયનામાં કેમ તું ખોવાય છે?

પાંદડાને એ ખબર ક્યાંથી પડે?
આ વિરહનું વૃક્ષ ઘરડું થાય છે.

- પૂર્વી ઓઝા

લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.


માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.
હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ 'હું' જ ખોટો નીકળ્યો.
ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાંજ તડકો નીકળ્યો.
સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.
આશરો કેવળ નદીને જ હતો,
એક સાગર એય ખારો નીકળ્યો.
આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.
થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો
- ધૂની માંડલીય

આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?



આમ દિલની દાદ દઈ ફરિયાદ કેમ કરે ?
જે તારા ન હતાં તેની યાદમાં રડ્યા કેમ કરે ?

તેમના વાયદા તો ઝાકળના ટીપાં હતાં,
તેમાં હજુ પણ તું જાતને ભીંજવ્યા કેમ કરે ?

તેમણે ખાધેલી કસમ તો પરોઢનું ધુમ્મ્સ હતું,
તેમાં તું વર્ષા નું વાદળ શોધ્યા કેમ કરે ?

તેમણે બતાવેલા સ્વપ્ન તો મૃગજળ ના પ્રતિબિંબ હતાં,
તેમાં તું હકીકત ના મહેલ શોધ્યા કેમ કરે ?

સાથે માંડેલા ડગ તો કુંડાળામાં પડેલા પગ હતાં,
તેમાં તું સપ્તપદીના ફેરા શોધ્યા કેમ કરે ?

ઓ આકાશમાં ઉડતા પંખી,સંકેલ તારી પાંખો,
વગર લક્ષ ના રસ્તે આમ તું ભટક્યા કેમ કરે ?

- શૈલ્ય

ગઝલ


કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે;
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.

કથા માળા કે જિંદગીની છે સરખી,
કે એમાં ય મેર પછી મણકો આવે છે.

હજી વેઠું છું ત્રાસ અંધારાનો પણ -
ઇલાજમાં એના રોજ ભડકો આવે છે.

પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
બહુ મુશ્કેલીબાદ રણકો આવે છે.

ગયાં’તાં, પાછાં ત્યાં જ આવીને ઊભાં,
જવું ક્યાં? ચારેકોર તડકો આવે છે.

ઘણા વખતે આ ઠાઠ, રોનક ને રુઆબી,
લખાવી તારે નામ, ભભકો આવે છે.

- હર્ષદ ત્રિવેદી