Sunday, September 21, 2008

ખંડેરના એકાંતને પણ એક જણ મળતું રહ્યું..


ખંડેરના એકાંતને પણ એક જણ મળતું રહ્યું,
તે એક સાથે બીજી પળને કોક સાંકળતું રહ્યું.

ઊંચાઈઓને આંબવાનું ચંદ્ર તો બ્હાનું હશે,
ના વ્યર્થ કૈં સાગર તણું ઊંડાણ ખળભળતું રહ્યું !

આ જિંદગીની ચાર ક્ષણનું ગીત તો પૂરું થયું;
મુજ શૂન્યતા ગાતી રહી તુજ મૌન સાંભળતું રહ્યું.

ઊગ્યા કર્યું સ્વપ્નોનું લીલું ઘાસ કબરો પર અને
આકાશની આંખો થકી મુજ દર્દ ઓગળતું રહ્યું.

આ વન્ય કેડીઓ સમય ગાતો રહ્યો, ગાતો રહ્યો,
ને તે ક્ષિતિજની રેખ પર કોનું વદન ઢળતું રહ્યું !

‘ના કોઈની યે વાટ….’ કહી જેણે ક્ષિતિજ તાક્યા કર્યું,
છેવટ સુધી એ આંખમાં આકાશ ટળવળતું રહ્યું.

હું તો સમયની જ્યમ બધુંયે ભૂલવા મથતો ગયો,
યુગ-અંતનું ખાલીપણું મુજ રક્તમાં ભળતું રહ્યું.


- રાજેન્દ્ર શુક્લ

રોકાઈ ગયો છું...


આવ્યો’તો જરા માટે ને રોકાઈ ગયો છું;
દુનિયા, તારા મેળામાં હું ખોવાઈ ગયો છું.

ફૂલોને હું અડકયો ને ઉઝરડાઈ ગયો છું;
કાંટાઓના સંગાથથી ટેવાઈ ગયો છું.

ભીની ભીની નજરે તમે મારા ભણી જોયું;
વરસાદ નથી તોય હું ભીંજાઈ ગયો છું.

સીધા ને સરળ રસ્તે જવા નીકળ્યો હતો,
આવી જયાં ગલી તારી ત્યાં ફંટાઈ ગયો છું.

શોધો ન મને કોઈ નદી-તટની સમીપે;
મૃગજળના અરીસામાં હું પકડાઈ ગયો છું.

અંધારખૂણા, થાંભલા, દીવાલને છપ્પો!
શૈશવને કહો, કયાંય હું સંતાઈ ગયો છું!

અપરાધ હો તો એ જ કે ખુશ્બૂ મેં ઉછાળી;
ચોરે ને ચૌટે, ગલીઓમાં ચર્ચાઈ ગયો છું!

- ભગવતીકુમાર શર્મા

એવું કરો...


શબ્દો ફકત શબ્દો રહે એવું કરો
આ મૌનના પડઘા શમે એવું કરો

આજે ઈરાદો કંઈ જુદો છે ચાંદનો
આ સુર્ય પણ થોડો નમે એવું કરો

બીજા તમારા બાદ પણ ચાલી શકે
રસ્તા તણા પથ્થર હટે એવૂં કરો

હર પળ ઉદાસીમય રહ્યું વાતાવરણ
એકાદ બાળક ત્યાં હસે એવું કરો

મોસમ વિના આવી ચઢી છે પાનખર
ને ફુલ કોઇ ના રડે એવું કરો

હર હાથ ખંજર થૈ ગયાની છે ખબર
ગુલ પ્યારની દુનિયા વસે એવું કરો
- અહમદ ‘ ગુલ’

ગઝલ

આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.

વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?

જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?

આંખમાંથી કેટલું ભૂંસવું પડે -
આંખ પંખીની પછી દેખાય છે.

સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !

કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.

સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !

-નીતિન વડગામા