Sunday, August 3, 2008

અહીં કોણ કોના માટે સાચે મરી પડે છે?


નાનકડી કોતરોથી નદીઓ સરી પડે છે
મામૂલી એક ઘટના બહુ વિસ્તરી પડે છે.

લાચારી પણ ખરી છે, હદથી વધી ગઇ છે.
કોઇ વઢે એ પહેલા, એ કરગરી પડે છે.

છે લાગણીઓ ઓછી ને માગણીઓ ઝાઝી
અહીં કોણ કોના માટે સાચે મરી પડે છે?

એવી બને છે ઘટના કે ખિન્ન થઇ જવાતું
પીંછાની સાથે આખું પંખી ખરી પડે છે.

હું ગોઠવું છું પુસ્તકની જેમ જિંદગીને
અભરાઇએથી તો પણ ફરી ફરી પડે છે.

- હિતેન આનંદપરા

No comments: