Sunday, June 29, 2008

ઝાકળ દડ્યું છે….


એક ટુકડા જેટલુંયે ક્યાં જડ્યું છે
તોયે તે હોવાપણું આખું નડ્યું છે !

કોઈ ના વાંચી શકે એવું લખીને
એક પીંછું વૃક્ષ પર પાછું ચડ્યું છે.

વૃક્ષ ના સમજી શકે કે ભરવસંતે
કોઈ પંખી કેટલું છાનું રડ્યું છે !

યુદ્ધથી ઉજ્જડ થયાં છે દર્પણો પણ
છેક અંદર કોણ કોનાથી લડ્યું છે !

શ્વાસથી છૂટું પડીને નામ મારું
પથ્થરોમાં ગામને પાદર પડ્યું છે.

ગામ આખું યાદનું ડૂબી ગયું છે
આ ક્યા તે ફૂલથી ઝાકળ દડ્યું છે !

ના બતાવો ડર મને મારા પતનનો
ભાગ્ય તો ‘આકાશ’નું પણ મેં ઘડ્યું છે.

– આકાશ ઠક્કર

No comments: