Tuesday, June 17, 2008

હું મને શોધી શક્યો ન જાતમાં.


હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.

બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.

આયના, તડકો – ઉભયના ભાસમાં
હું મને શોધી શક્યો ન જાતમાં.

ચિત્ત, આંખો, દિલ- બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…

વહી ગયેલાં પાણી ભરવાં શક્ય છે?
તું ગઝલ લખ, છોડ પદ નરસિંહના.

-વિવેક મનહર ટેલર

No comments: